
ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનાર ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો હતો.ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ઉપર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે. આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય તેની શક્યતાઓ જણાતી નથી.છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ગત સપ્તાહની સરખામણી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે, હજુ પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાઈ રહ્યું છે. ગત વર્ષોની સરખામણીએ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન આ સમય દરમિયાન 15થી 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી માસમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી હતું, પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.