
કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને શ્રેષ્ઠ સારવારના સેવાકીય અભિગમ સાથે કાર્યરત ભાગ્યોદય હોસ્પિટલ અને આ જ વર્ષથી શરુ થયેલી મેડીકલ કોલેજને પ્રારંભ સાથે જ ત્રીજું દેહદાન પ્રાપ્ત થયું છે જે લોકોમાં આવેલી જાગૃતતા અને હોસ્પિટલ પ્રત્યે લોકોની શ્રધ્ધા અને ભાવના દર્શાવે છે. કડીના લોકોની પોતાની હોસ્પિટલ એટલે ભાગ્યોદય હોસ્પિટલ. જન જનના સમર્થન અને સહયોગથી ચાલતી આ હોસ્પીટલમાં અતિ આધુનિક સારવાર ખુબ જ વ્યાજબી દરે પૂરી પાડવામાં આવે છે જેનાથી લોકો, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ખુબ જ પ્રભાવિત છે. હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ શરુ થવા સાથે જ વિદ્યાર્થીઓ માટે માનવ શરીરની રચના બારીકાઇ પૂર્વક અને પ્રાયોગિક રીતે પ્રત્યક્ષ સમજવા માટે માનવ મૃતદેહ અતિ આવશ્યક છે. જેની મોટાભાગની મેડીકલ કોલેજમાં અછત વર્તાય છે. પરંતુ કડી તાલુકા અને મહેસાણા જીલ્લાના લોકોની જાગૃત્તિ અને સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવનાના પરિણામે ભાગ્યોદય મેડીકલ કોલેજના પ્રારંભમાં જ ત્રીજું દેહદાન પ્રાપ્ત થતા આ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ખુબ જ વાસ્તવિક, પ્રાયોગીક અને અર્થપૂર્ણ બનાવી શકશે તેમજ સંસ્થાના ઉત્તમ ડોક્ટર તૈયાર કરવાના ભગીરથ પ્રયાસને સફળતા મળશે. દેહદાન એ મહાદાન સંકલ્પ સાથે બુડાસણ ગામના વતની સ્વ. શ્રી નટવરલાલ સોમાભાઈ પરમારનું ૭૨ વર્ષની ઉંમરે અવસાન થતા તેમની અને તેમના પરિવારજનોના જનસેવાના ઉમદા વિચારના કારણે તેમના મૃત્યુ પછી તેમનું દેહદાન કરવામાં આવેલ હતું. તેમના પરિવારજનોમાં તેમના પુત્રો નવનીતભાઈ અને દિનેશભાઈ, તેમના પત્ની કમળાબેન, ભત્રીજા સહિતના સૌએ સ્વર્ગસ્થનો મૃતદેહ ભાગ્યોદય હોસ્પિટલ- મેડીકલ કોલેજને અર્પણ કરેલ હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જગદીશભાઈ પટેલ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના પુણ્યશાળી આત્માને પુષ્પાંજલિ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ હતી. સંસ્થાના ઉમદા દાતા અને ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ તથા સૌરીનભાઈ પરીખે સ્વર્ગસ્થશ્રી અને તેમના પરિવારના સમાજસેવાના પુણ્યશાળી વિચારને આવકારેલ હતો. આ પહેલા પણ સંસ્થાને સ્વ.પુરીબેન કાન્તીભાઈ પટેલ – ઊંઝા તથા સ્વ. સોમાભાઈ વિરાભાઈ પટેલના પરિવારજનો તરફથી દેહદાન પ્રાપ્ત થયેલ છે. સમાજે આપેલું જીવન સમાજસેવા માટે ઉપયોગી બને તેની સાથે મૃત્યુ પછી પણ પોતાનું જીવન સાર્થક થાય, સમાજ ઉપયોગી થાય તેવા દેહદાન – મહાદાન સંકલ્પના પ્રણેતા આ સૌ પરમાર્થી પુણ્યશાળી આત્માઓને સંસ્થા શ્રધ્ધાસુમન અર્પણ કરતા ગૌરવ અનુભવે છે. ચાલો આપણે પણ સંકલ્પ કરીએ જીવતા રક્તદાન અને મૃત્યુ પછી અંગદાન કે દેહદાન. આપના અંગદાન, દેહદાન કે એવા કોઇપણ શુભ સંકલ્પ માટે ભાગ્યોદય હોસ્પિટલ-કોલેજમાં નોંધણી થઇ શકે છે જે માટે આજે જ સંપર્ક કરો.